વિદ્યાર્થી એ બનાવી અનોખી શાહી આગ ઉપર કાગળ રાખવા થી વંચાય છે અક્ષરો

કોઈ વિદ્યાર્થીને અસાઇમેન્ટ લખવા માટે કહેવામાં આવે અને તે પોતના શિક્ષકને કોરો કાગળ પરત આપે તો સ્પષ્ટ છે કે તેના બદલે તેને શૂન્ય માર્ક જ મળશે. પરંતુ જાપાનની એક વિદ્યાર્થિનીને આવું કરવા બદલ શિક્ષકે શૂન્ય નહિ પણ પુરેપુરા માર્ક્સ આપ્યા.

અસલમાં જાપાન વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસના વિષયનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની એમી હાગાને નિન્જા વિષે વાંચવું અને લખવું ખુબ પસંદ હતું. તેણીએ એક ઈગારો ખાતે આવેલા એક નિન્જા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને તેની જાણ યુનિવર્સીટીના પ્રોફેસર યુજી યામાદાને થતા તેણે એમીને એ મ્યુઝિયમ અને તેના અનુભવો પર એક લેખ લખવા માટે કહ્યું અને સાથે સલાહ પણ આપી કે તે લેખ સામાન્યથી બિલકુલ અલગ હશે તો જ તેના માર્ક્સ મળશે.

19 વર્ષીય એમી હાગાએ નવીન પ્રકારે લેખ લખવા માટે અબુરિદાશી ટેક્નિકનો ઉપયોગ કર્યો. ઉલ્લેખનીય છે કે અબુરિદાશી જાપાનની એક પ્રાચીન ટેક્નિક છે જેના દ્વારા અગાઉના સમયમાં લોકો એક બીજાને ગુપ્ત સંદેશાઓ મોકલતા હતા. ખાસ વાત એ હતી કે આ ટેક્નિક દ્વારા કાગળ પર લખાયેલું લખાણ ત્યાં સુધી નથી વાંચી શકાતું જ્યાં સુધી તે કાગળને આગ ઉપર ન લાવવામાં આવે.

એમીએ અબુરિદાશી ટેક્નિકથી લખવા માટે સૌ પહેલા સોયાબીનને આખી રાત પલાળી રાખ્યા અને તેના વડે એક અદ્રશ્ય શાહી તૈયાર કરી. ત્યારબાદ આ રસને બે કલાક માટે પાણીમાં મેળવી રાખ્યા જેથી શાહી લખવા લાયક બની જાય. પછી તેણીએ વાશી નામે ઓળખાતા એક પાતળા જાપાની કાગળમાં લેખ લખવાનું શરુ કર્યું. જેમ જેમ તે લખતી જતી તેમ તેમ આગળના શબ્દો ધીમે ધીમે અદ્રશ્ય થતા જતા હતા.

એમીએ આ રીતે આખો લેખ તૈયાર કરી પોતાની યુનિવર્સીટીના પ્રોફેસર યુજી યામાદાને આપી દીધો. એમીએ જે કાગળો પર લેખ લખ્યો હતો તે બિલકુલ કોરા દેખાતા હતા. પ્રથમ વખત તો પ્રોફેસટ યુજીને પણ ન સમજ પડી કે આખરે એમીએ આ કોરા કાગળ કેમ તેને આપ્યા ? જો કે એમીએ આપેલા એ અસાઇમેન્ટ સાથે સામાન્ય પેન વડે લખાયેલ એક ચબરખી પણ હતી જેને વાંચ્યા બાદ પ્રોફેસરને આખી વાત સમજતા વાર ન લાગી.

એમીએ એ ચબરખીની નોટમાં લખ્યું હતું કે ” મેં અબુરિદાશી ટેક્નિક વડે અસાઇમેન્ટ લખી છે તેના કાગળને આગ ઉપર રાખશો એટલે તેના શબ્દો વાંચી શકાશે. આ લેખને સામાન્યથી બિલકુલ અલગ રીતે લખવા માટે મેં પૂરતા પ્રયાસો કર્યા છે. નોટ વાંચ્યા બાદ પ્રોફેસર યુજીએ ગેસના સ્ટવ પર એમીના કાગળ રાખ્યા તો એના અક્ષરો વાંચી શકાય તેમ દેખાવા લાગ્યા. આવી રચનાત્મકતા જોઈ પ્રોફેસર યુજી પણ ખુશ થયા અને તેણે એમીને અસાઇમેન્ટ માટે ફૂલ માર્ક્સ પણ આપ્યા.

2:31 pm